વીઆઈપી નંબર પ્લેટ માટે સુધીરકુમાર નામની આ વ્યક્તિએ રૂા.૧.૧૭ કરોડની બોલી લગાવી અને બાદમાં રકમ ચૂકવી શક્યો નહોતો એટલે હરિયાણા સરકારની તપાસનો તેણે સામનો કરવો પડશે; રાજ્યના પરિવહન મંત્રી અનિલ વીજ દ્વારા સુધીરકુમારની મિલકતો અને આવકની તપાસ કરવાનો આદેશ અપાયો છે, હરાજીમાં ભાગ લેનાર આ વ્યક્તિની રૂા.૧૧,૦૦૦ જેટલી સિક્યુરિટી ડિપોઝિટ પણ જપ્ત થઈ છે અને આ વીઆઈપી નંબર પ્લેટ માટે હવે ફરીથી હરાજી થશે
(એજન્સી) અંબાલા, તા.૪
હરિયાણામાં એચ આર૮૮ બી ૮૮૮૮ વીઆઈપી નંબર પ્લેટ માટે રૂપિયા ૧.૧૭ કરોડ સુધીની બોલી લગાવ્યા પછી રકમની ચુકવણી ન કરી શકેલ એક વ્યક્તિ સામે સમસ્યાઓનો પહાડ ઊભો થઈ ગયો છે અને હરિયાણા સરકારે સુધીરકુમાર નામના આ વ્યક્તિની આવક અને મિલકતોની તપાસનો આદેશ આપ્યો છે. રાજ્યના પરિવહન મંત્રી અનિલ વીજ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવ્યું હતું કે તાજેતરમાં આ ખૂબ જ મહત્વની વીઆઈપી નંબર પ્લેટ માટે હરાજી કરવામાં આવી ત્યારે સુધીરકુમાર નામના એક શકશે રૂપિયા એક કરોડ અને ૧૭ લાખની બોલી લગાવી હતી. મંત્રીએ કહ્યું હતું કે અમે વીઆઈપી નંબર પ્લેટ હરાજી કરીને ફાળવીએ છીએ. અનેક લોકોએ વીઆઈપી નંબર પ્લેટ માટેની હરાજીમાં ભાગ લીધો હતો અને તેમાં સુધીરકુમાર નામની વ્યક્તિએ રૂા.૧.૧૭ કરોડની સૌથી ઊંચી બોલી લગાવી હતી. તેની આવક અને સંપત્તિની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. એ વ્યક્તિ એ તેની રૂપિયા ૧૧,૦૦૦ની સિક્યુરિટી ડિપોઝિટ પણ જતી કરી હતી. ટ્રાન્સપોર્ટ મંત્રીએ સુધીરકુમારની સંપત્તિ તેણે જેટલી બોલી બોલી એટલી છે કે કેમ તેની તપાસ કરવાનો તેમના વિભાગના આદેશ આપ્યો છે. આવી રીતે વીઆઈપી નંબર પ્લેટની જાહેર હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિએ રૂા.૧૦,૦૦૦ સિક્યુરિટી પેટે તથા રૂપિયા ૧૦૦૦ રજીસ્ટ્રેશન ફી પેટે અગાઉથી ચૂકવવાનો હોય છે. આ નંબર પ્લેટ માટે બેઝ પ્રાઇસ રૂા.૫૦,૦૦૦ નક્કી થઈ હતી અને બોલી આટલે સુધી પહોંચી હતી પરંતુ સુધીરકુમાર રકમ આપી શક્યો નહોતો. અનિલ વિજે એવું પણ કહ્યું હતું કે મેં આ વ્યક્તિની તપાસ કરવા માટે આવકવેરા ખાતાને પણ જાણ કરી છે. પોતાની નાણાકીય કાબેલિયત ન હોય અને હરાજીમાં બોલી મોટી રકમ સુધી લઈ જતા લોકોને અટકાવવા માટે આ જરૂરી છે કેમ કે આ હરાજીમાં આવી રીતે ભાગ લેવો એ કોઈ શોખની વાત નથી પણ એ એક જવાબદારી છે.
Gujarat Today
Leave A Reply